અમિ નઝર

  • તારીખવાર લેખો

    February 2010
    M T W T F S S
    « Mar    
    1234567
    891011121314
    15161718192021
    22232425262728
  • મહીનાવાર લેખો

  • કેટેગરી

  • જાહેર જનતાને જણાવવાનું કે…

    © અહીં રજૂ કરેલ કૃતિઓના કોપીરાઇટ્સ-હક્કો જે તે રચનાકારના પોતાના છે. બીજી સાઈટ્સ અને બ્લોગ પરથી લેવામાં આવેલાં લેખો જે-તે લેખકોના વિચારો છે. અને જે-તે લેખો ની સાથે સ્ત્રોત નિર્દેશીત રહેશે.આ બ્લોગ પર અન્ય કવિઓની જે રચનાઓ પોસ્ટ કરી છે, એને લીધે જો કોઇના કોપીરાઇટનો ભંગ થયેલો કોઇને લાગે તો સત્વરે જાણ કરવા વિનંતી અને મને જાણ કરવામાં આવશે, તો તેને સત્વરે અહીંથી દૂર કરીશ. પણ મને આશા અને શ્રદ્ધા છે કે સૌ સર્જકો અને પ્રકાશકો તેમ જ તેમના વારસદારો ગુજરાતી ભાષાના પનોતા સંતાનોને માટે વિશ્વ-ગુર્જરી સમાજમાં સભાનતા કેળવવાના આ નિસ્વાર્થ પ્રયત્નોને હૃદયપૂર્વક ટેકો આપશે અને બીરદાવશે. ۞ Disclaimer : This blog is not for any commercial purposes. The entries posted on this blog are purely with the intention of sharing personal interest in gujarati literature/sahitya without any intention of direct or indirect commercial gain. આપ આ વેબસાઇટ Windows XP અને Internet Explorer માં વધુ સારી રીતે જોઇ શકશો.
  • દુનીયાભર મા વાંચનમિત્રો...

    • 1,877 વાચન મિત્રો...

તેનો આ અંજામ છે

Posted by amritapatel on March 6, 2009

મેં તજી તારી તમન્ના તેનો આ અંજામ છે,
કે હવે સાચે જ લાગે છે કે તારું કામ છે.

છે સ્ખલન બે ત્રણ પ્રસંગોમાં મને પણ છે કબૂલ,
કોણ જાણે કેમ આખી જિંદગી બદનામ છે.

એક વીતેલો પ્રસંગ પાછો ઉજવવો છે ખુદા!
એક પળ માટે વીતેલી જિંદગીનું કામ છે.

આપની સામે ભલે સોદો મફતમાં થઈ ગયો,
આમ જો પૂછો બહુ મોઘાં અમારાં દામ છે.

જિંદગીના રસને પીવામાં જલ્દી કરો ‘મરીઝ’,
એક તો ઓછી મદિરા છે, ને ગળતું જામ છે.

-મરીઝ

Posted in gujarati gazals, ગુજરાતી ગઝલો | Tagged: , , , , , | 1 Comment »

મને એવી રીતે કઝા યાદ આવી

Posted by amritapatel on March 6, 2009

મને એવી રીતે કઝા યાદ આવી,
કોઈ એમ સમજે દવા યાદ આવી.

નથી કોઈ દુ:ખ મારા આંસુનું કારણ,
હતી એક મીઠી મજા યાદ આવી.

જીવનના કલંકોની જ્યાં વાત નીકળી,
શરાબીને કાળી ઘટા યાદ આવી.

હજારો હસીનોના ઈકરાર સામે,
મને એક લાચાર ‘ના’ યાદ આવી.

મોહબ્બતના દુ:ખની એ અંતિમ હદ છે,
મને મારી પ્રેમાળ મા યાદ આવી.

કબરના આ એકાંત,ઊંડાણ,ખોળો,
બીજી કો હુંફાળી જગા યાદ આવી.

સદા અડધે રસ્તેથી પાછો ફર્યો છું,
ફરી એ જ ઘરની દિશા યાદ આવી.

કોઈ અમને ભૂલે તો ફરિયાદ શાની!
’મરીઝ’ અમને કોની સદા યાદ આવી?

-મરીઝ

Posted in gujarati gazals, ગુજરાતી ગઝલો | Tagged: , , , , , | Leave a Comment »

જીવનભરનાં તોફાન ખાળી રહ્યો છું

Posted by amritapatel on March 6, 2009

જીવનભરનાં તોફાન ખાળી રહ્યો છું,
ફકત એના મોઘમ ઈશારે ઈશારે.

ગમે ત્યાં હું ડૂબું, ગમે ત્યાં હું નીકળું,
છે મારી પ્રતીક્ષા કિનારે કિનારે.

અહીં દુ:ખની દુનિયામાં એક રંગ જોયો,
ભલે સુખનું જગ હો પ્રકારે પ્રકારે.

સુજનની કબર કે ગુનેગારની હો,
છે સરખી ઉદાસી મઝારે મઝારે.

હૃદય મારું વ્યાપક, નજર મારી સુંદર,
કલા મારી મોહક વિચારે વિચારે.

નથી આભને પણ કશી જાણ એની,
કે મેં ચાંદ જોયા સિતારે સિતારે.

અમારાં બધાં સુખ અને દુ:ખની વચ્ચે,
સમયના વિના કંઈ તફાવત ન જોયો.

બધીયે મજાઓ હતી રાતે રાતે,
ને સંતાપ એનો સવારે સવારે.

નથી ઝંખના મારી ગમતી જો તમને,
તો એનું નિવારણ તમારું મિલન છે.

તમે આમ અવગણના કરતા જશો તો,
થતી રહેશે ઈચ્છા વધારે વધારે.

અમસ્તો અમસ્તો હતો પ્રશ્ન મારો,
હકીકતમાં કોની છે સાચી બુલંદી.

જવાબ એનો દેવા ઊઠી આંગળીઓ,
તમારી દિશામાં મિનારે મિનારે.

જગતમાં છે લ્હાવા કદમ પર કદમ પર,
ફકત એક શરત છે ગતિમાન રહેવું.

નવા છે મુસાફિર વિસામે વિસામે,
નવી સગવડો છે ઉતારે ઉતારે.

મરણ કે જીવન હો એ બંને સ્થિતિમાં,
‘મરીઝ’ એક લાચારી કાયમ રહી છે.

જનાજો જશે તો જશે કાંધે કાંધે,
જીવન પણ ગયું છે સહારે સહારે.

- મરીઝ

Posted in gujarati gazals, ગુજરાતી ગઝલો | Tagged: , , , , , | Leave a Comment »

સમજાવી નથી શકતો

Posted by amritapatel on March 6, 2009

ગઝલમાં સૌ વિચારો મારા દર્શાવી નથી શકતો;
ઘણું સમજું છું એવું જે હું સમજાવી નથી શકતો.

ન સ્પર્શી કોઈ અવગણના કદી પણ મારા ગૌરવને,
કે હું ઉપકાર છું એવો જે યાદ આવી નથી શકતો.

ગયો ને જાય છે દુ:ખનો સમય એક જ દિલાસા પર,
કે વીતેલો સમય પાછો કદી આવી નથી શકતો.

તમે આવ્યાં હતાં પાછા જવાને તો ભલે જાઓ,
તમે મારું જીવન છો તમને થોભાવી નથી શકતો.

તમે કાલે હતાં કેવાં અને આજે થયાં કેવાં,
તમારી સાથ પણ હું તમને સરખાવી નથી શક્તો.

બહાનું કેમ શોધું હું ‘મરીઝ’ એના મિલન કાજે,
નિખાલસ છું હું તેથી વાત ઊપજાવી નથી શકતો.

- મરીઝ

Posted in gujarati gazals, ગુજરાતી ગઝલો, ગુજલિશ ગઝલો | Tagged: , , , , , , | Leave a Comment »

સિતમ કરી ગયા

Posted by amritapatel on March 6, 2009

મુજ પર સિતમ કરી ગયા મારી ગઝલ ના શેર,
વાંચીને એ રહે છે બીજાના ખયાલ માં.

એ ના કહીને સહજ્ માં છટકી ગયા ‘મરીઝ’,
કરવી ના જોઇતી’તી ઉતાવળ સવાલ માં.

-મરીઝ

Posted in ગુજરાતી ગઝલો, ગુજલિશ ગઝલો, મુક્તક | Tagged: , , , , , , | Leave a Comment »

શંભુ ચરણે પડી

Posted by amritapatel on March 6, 2009

શંભુ ચરણે પડી, માગું ઘડી રે ઘડી કષ્ટ કાપો
દયા કરી દર્શન શિવ આપો

તમે ભક્તોના દુઃખ હરનારા, શુભ સૌનું સદા કરનારા
મારી મંદ મતિ, તારી અકળ ગતિ, કષ્ટ કાપો દયા કરી

અંગે ભસ્મ સ્મશાનની ચોળી, સંગે રાખો સદા ભૂત ટોળી
ભાલે તિલક કર્યુ, કંઠે વિષ ધર્યુ, અમૃત આપો દયા કરી

નેતિ નેતિ જ્યાં વેદ કહે છે, મારું ચિતડું ત્યાં જવા ચહે છે
સારા જગમાં છે તું, વસું તારામાં હું, શક્તિ આપો દયા કરી

હું તો એકલપંથ પ્રવાસી, છતાં આતમ કેમ ઉદાસી
થાક્યો મથી રે મથી, કારણ મળતું નથી, સમજણ આપો દયા કરી

આપો દ્રષ્ટિમાં તેજ અનોખું, સારી સૃષ્ટિમાં શિવરુપ દેખું
આવી દિલમાં વસો, આવી હૈયે હસો, શાંતિ સ્થાપો દયા કરી

ભોળાશંકર ભવદુઃખ કાપો, નિત્ય સેવાનું શુભ ધન આપો
ટાળો મન મદા, ગાળો સર્વ સદા, ભક્તિ આપો દયા કરી

શંભુ ચરણે પડી, માગું ઘડી રે ઘડી કષ્ટ કાપો દયા કરી

Posted in bhajan, ભજન | Tagged: , , | Leave a Comment »

રઘુપતિ રાઘવ રાજારામ

Posted by amritapatel on March 6, 2009

રઘુપતિ રાઘવ રાજારામ;
પતિત-પાવન સીતારામ,
ઈશ્વર-અલ્લહ તેરે નામ;
સબકો સંમતિ દે ભગવાન

Posted in funny gujarati, gujarati fun, બાલ કાવ્યો | Tagged: , , , , | Leave a Comment »

મા બાપને ભૂલશો નહિ

Posted by amritapatel on March 6, 2009

ભૂલો ભલે બીજું બધું, મા બાપને ભૂલશો નહિ

અગણિત છે ઉપકાર એના, એ કદી વિસરશો નહિ

પથ્થર પૂજ્યા પૃથ્વી તણા, ત્યારે દીઠું તમ મુખડું એ પુનિત જનનાં કાળજ

પથ્થર બની છુંદશો નહિ

કાઢી મુખેથી કોળીયા, મ્હોંમાં દઈ મોટા કર્યા

અમૃત તણાં દેનાર સામે, ઝેર ઉગળશો નહિ

લાખો લડાવ્યાં લાડ તમને, કોડ સૌ પુરા કર્યા

એ કોડના પુરનારના, કોડને ભૂલશો નહિ

લાખો કમાતા હો ભલે, મા બાપ જેથી ના ઠર્યા

એ લાખ નહિં પણ રાખ છે, એ માનવું ભૂલશો નહિ

સંતાનથી સેવા ચાહો, સંતાન છો સેવા કરો

જેવું કરો તેવું ભરો, એ ભાવના ભૂલશો નહિ

ભીને સૂઈ પોતે અને, સુકે સુવડાવ્યા આપને

એ અમીમય આંખને, ભૂલીને ભીંજવશો નહિ

પુષ્પો બિછાવ્યાં પ્રેમથી, જેણે તમારા રાહ પર

એ રાહબરના રાહ પર, કંટક કદી બનશો નહિ

ધન ખરચતાં મળશે બધું, માતા પિતા મળશે નહિ

પલ પલ પુનિત એ ચરણની, ચાહના ભૂલશો નહિ

. -સંત પુનિત (Sant Punit)

Posted in કાવ્યોત્સવ | Tagged: , , , | Leave a Comment »

એક બિલાડી જાડી

Posted by amritapatel on March 6, 2009

એક બિલાડી જાડી
તેણે પહેરી સાડી
સાડી પહેરી ફરવા ગઈ
તળાવમાં તે તરવા ગઈ
તળાવમાં તો મગર
બિલ્લીને આવ્યા ચક્કર
સાડીનો છેડો છૂટી ગયો
મગરના મોઢામાં આવી ગયો
મગર બિલ્લીને ખાઈ ગયો

Posted in funny gujarati, gujarati fun, બાલ કાવ્યો | Tagged: , , , , | Leave a Comment »

વારતા રે વારતા

Posted by amritapatel on March 3, 2009

વારતા રે વારતા,
ભાભો ઢોર ચારતા,
ચપટી બોર લાવતા,
છોકરાંને સમજાવતા,
એક છોકરો રિસાયો,
કોઠી પાછળ ભીંસાયો,
કોઠી પડી આડી,
છોકરાએ ચીસ પાડી,
અરરરર….માડી

Posted in funny gujarati, gujarati fun, બાલ કાવ્યો | Tagged: , , , | 1 Comment »